રાજકોટના ઘંટેશ્વર મુકામે ૧૪ એકરના પરિસરમાં નિર્માણ પામેલી નવી જિલ્લા અને સેશન્સ કોર્ટનું ઉદઘાટન માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી ડી.વાય.ચંદ્રચુડના હસ્તે ૬ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
આ નવા કોર્ટ સંકુલમાં કુલ પાંચ માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કક્ષાઓની કુલ ૫૦ જેટલી કોર્ટ કાર્યરત થનાર છે. આ નવા કોર્ટ સંકુલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર, ઈ સેવા કેન્દ્ર, એ.ડી.આર. સેન્ટર, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલની કચેરી, મીડિયેશન સેન્ટર, વલ્નરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર, કોલ આઉટ ફંક્શન, ઈ ફાઈલિંગ ફોર કોમર્શિયલ કોર્ટ, વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો સમાવેશ થયેલો છે. જેમાં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ડિપોઝિશન સેન્ટરનું અનાવરણ રાજકોટ ખાતેથી થનાર છે.
જેના કારણે અન્ય જગ્યાએથી બદલી પામીને રાજકોટ ખાતે આવેલા સરકારી કર્મચારીઓને જુબાની આપવા માટે તેઓ અગાઉ ફરજ બજાવી આવેલ જગ્યાએ પ્રત્યક્ષ જવાને બદલે આ નવનિર્મિત રાજકોટ જિલ્લા અદાલતમાં વિટનેસ ડિપોઝિશન સેન્ટરની મદદથી તેઓ તેમની જુબાની નોંધાવી શકશે. વધુમાં કોર્ટ સંકુલમાં દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ રાજકોટ ખાતે જિલ્લા અદાલત તથા સિવિલ કોર્ટ જુદી જુદી ત્રણ બિલ્ડિંગમાં કાર્યરત હતી. જેના કારણે પક્ષકારો અને વકીલશ્રીઓને તેઓના કેસો માટે જુદા જુદા બિલ્ડિગમાં જવું પડતું હતું. પરંતુ હવે આ નવા કોર્ટ સંકુલમાં આ તમામ કોર્ટ એક જગ્યાએ કાર્યરત થવાથી પક્ષકારો અને વકીલશ્રીઓને પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેઓને સુવિધાસભર સાનુકૂળ વાતાવરણવાળું કાર્યસ્થળ મળી રહેશે