રાજકોટ જિલ્લામાં ખાણ કામ પ્રભાવિત વિસ્તારની મહિલાઓ માટે રોજગારની તક નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન તળે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત પાયલોટ ધોરણે “સખી સ્વાભિમાન પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાણ કામ પ્રભાવિત ૧૦૮ ગામની મહિલાઓ માટે તા.૦૧ ફેબ્રુઆરી થી ૪૫ દિવસ સુધી ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે રોજગારલક્ષી નર્સિંગ આસિસ્ટન્ટની તાલીમ આપવામાં આવી રહી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવહણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એ.કે. વસ્તાણી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી વી. બી. બસિયા, ક્રાઈસ્ટ હોસ્પિટલ ડાયરેકટરશ્રી ફાધર થોમસએ તાલીમ લઈ રહેલી બહેનોને નોકરીમાં આગળ વધવાની પ્રેરણા અને શુભેચ્છા આપી હતી તથા તાલીમાર્થી બહેનોને બુક, યુનિફોર્મ અને આઈકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાલીમાર્થી બહેનો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તાલીમ લઈ શકે તેવી દરેક બાબતનું ધ્યાન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. બહેનો માટે આરસેટી ખાતે રહેવા – જમવાની વ્યવસ્થા, તાલીમ સ્થળ સુધી પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમ દરમ્યાન ઉપયોગમાં આવતા સાધનો, પેશન્ટ કીટ સહિતની જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપવામાં આવશે. બહેનોને ૪૫ દિવસની આ તાલીમમાં ૩૨૦ કલાક તાલીમ આપવામાં આવશે. જેમાં ૧૨૦ કલાક થિયરી અને ૨૦૦ કલાક પ્રેક્ટીકલ કરાવવામાં આવશે.
વધુમાં સ્થાનિક તાલુકા કક્ષાની હોસ્પિટલ, શહેરની ખાનગી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ વ્યક્તિગત કેર ટેકરની જરૂરિયાત હોય તેવા રોજગારીના સ્થાનોની માહિતી એકત્રિત કરીને ૧૦૦% નોકરી ઓછામાં ઓછાં રૂ. ૮,૦૦૦/- પગારથી નોકરી આપવામાં આવશે. તેમજ શરૂઆતના ૩ મહિના સુધી લાભાર્થી દીઠ રૂ. ૨૦૦૦/- સુધીનું પોસ્ટ પ્લેસમેન્ટ સપોર્ટ આપવામાં આવશે.
નોંધનીય છે કે, સમાજમાં મહિલાના આર્થિક અને સામાજિક ઉત્થાન હેતુ રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે ત્યારે આ તાલીમમાં વિધવા મહિલાઓ સમાજમાં પુન:સ્થાપન કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે તેને અગ્રતા આપવામાં આવી છે.