ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે સં૫ન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા અમલી બનાવાઇ છે, જે મુજબ ૧૦–રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે.
વર્તમાન સમયમાં ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતા મુજબ મતદાન મથકની અંદર તેમજ મતદાન મથકના ૧૦૦ મીટર વિસ્તારમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, સ્માર્ટ ફોન અને સ્માર્ટ વોચ તેમજ અન્ય કોઈ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહી, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.