IPL 2024 માટે ટાઇટલ સ્પોન્સર ટાટા ગ્રુપ જ રહેશે. ટાટા ગ્રુપે વર્ષ 2028 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી લીધી છે. BCCIને પાંચ વર્ષમાં કુલ 2500 કરોડ રૂપિયા ચૂકવશે.
IPL 2024 શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે અને આ પહેલા ટાટા ગ્રૂપે ફરી એકવાર લીગના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો સફળતાપૂર્વક જાળવી રાખ્યા છે. એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર ટાટા ગ્રુપ જ રહેશે. સાથે જ ટાટા ગ્રૂપે આગામી 5 વર્ષ માટે એટલે કે 2028 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે.
એક અહેવાલ અનુસાર જ્યારે BCCI એ ટાઈટલ સ્પોન્સર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, ત્યારે નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે જો ટાટા ગ્રુપ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનારી કંપની સાથે બરાબરી કરે છે તો તેને જ સ્પોન્સરશિપના રાઇટ્સ મળશે.
મળતી માહિતી અનુસાર આવતા 5 વર્ષ સુધી ટાટા ગ્રુપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને દર વર્ષે 500 કરોડ રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ 2500 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો કે ટાટા ગ્રૂપે ખાસ શરત દ્વારા સ્પોન્સરશિપ અધિકારો મેળવ્યા હતા, કારણ કે આદિત્ય બિરલા ગ્રૂપે પણ આ સ્પોન્સરશીપ માટે રૂ.2500 કરોડની બોલી લગાવી હતી.
આ વખતે બીસીસીઆઈએ ટાઈટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડતી વખતે કડક શરતો રાખી હતી. BCCI એ સંકેત આપ્યો હતો કે તે ભારત સાથે સારા સંબંધો ન ધરાવતા દેશોની કંપનીઓ અથવા બ્રાન્ડ્સની બિડને ધ્યાનમાં લેશે નહીં. જો કે આમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ ચીની કંપની Vivo સાથેના ખરાબ અનુભવને ચોક્કસપણે ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો.