વિયેતનામમાં નદી પર બનેલો પુલ તૂટી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. હાલ 10 લોકો ગુમ છે. દેશભરમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક કારખાનાઓને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ઉત્તર વિયેતનામની તમામ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. તોફાન યાગીમાં નવ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
તોફાન યાગી અને ત્યારપછીના ભારે વરસાદે વિયેતનામમાં ભારે તબાહી મચાવી છે. વિયેતનામમાં એક નદી પરનો પુલ સોમવારે પૂરના કારણે તૂટી પડ્યો હતો. આ ઘટના ફૂ થો પ્રાંતમાં બની હતી. આ સ્ટીલ બ્રિજ લાલ નદી પર બનાવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 કાર અને બે મોટરસાઈકલ નદીમાં પડી હતી. કેટલાક લોકોને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ 10 લોકો ગુમ છે.
નદીમાં પડનાે વર્ણવી ઘટના
પુલ પરથી નદીમાં પડી ગયેલા નગુયેન મિન્હ હૈએ કહ્યું કે જ્યારે તે નીચે પડ્યો ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો. મને તરવું આવડતું ન હતું. હું મૃત્યુથી બચી ગયો છું. ત્યાર બાદ ફામ ટ્રુઓંગ સોને જણાવ્યું હતું કે તે તેની મોટરસાઇકલ પર પુલ પર જઈ રહ્યો હતો. પછી તેણે મોટો અવાજ સાંભળ્યો. તે કંઈ સમજે તે પહેલા તે નદીમાં પડી ગયો હતો. મને લાગ્યું કે હું નદીના તળિયે ડૂબી રહ્યો છું. કેળના ઝાડને પકડીને પોતાનો જીવ બચાવ્યો.
પૂર અને ભૂસ્ખલનમાં 64ના મોત
વિયેતનામમાં તોફાન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરમાં એક બસ પણ તણાઈ ગઈ છે. ઘણા ઔદ્યોગિક કેન્દ્રોની ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે. યાગી વાવાઝોડાને કારણે એકલા વિયેતનામમાં નવ લોકોના મોત થયા છે. બાકીના લોકો રવિવાર અને સોમવારે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા.
20 લોકોથી ભરેલી બસ પૂરમાં તણાઈ
ઉત્તર વિયેતનામમાં ઘણી નદીઓનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. સોમવારે સવારે પહાડી કાઓ બેંગ પ્રાંતમાં ભૂસ્ખલન બાદ 20 લોકોને લઈ જતી બસ પૂરમાં વહી ગઈ હતી. વિયેતનામના સરકારી મીડિયા અનુસાર બસમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. એક વ્યક્તિને જીવતો બચાવી લેવામાં આવ્યો હતો. અન્ય ગુમ છે.