ગુજરાત વિધાનસભાગૃહનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરાશે…જાણો વિગત

દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ તા. ૨૪ જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે ૨૪ જાન્યુઆરીએ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. 

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ તેજસ્વિની વિધાનસભા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું ઉદ્ધઆટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. 

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત ૨૪ જાન્યુઆરીએ ૧ કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે. પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની ૧૩૦૦થી વધુ દિકરીઓ સહભાગી થશે.

આ દિવસે તેજસ્વિની વિધાનસભા ઉપરાંત જિલ્લા સ્તરે બાલિકા પંચાયત યોજાશે જેમાં દિકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે. આજ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દિકરીઓ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *