વડાપ્રધાનના હસ્તે ૨૫ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે રૂ.121 કરોડના ખર્ચે ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ”નું લોકાર્પણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રૂ. ૧૨૧ કરોડના ખર્ચે ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ”નું લોકાર્પણ કરવામાં આવશે, જેના પરિણામે સૌરાષ્ટ્ર- કચ્છની જનેતાઓ અને નવજાત શિશુઓને એક જ સ્થળેથી વિવિધ આરોગ્યલક્ષી  સુવિધાઓનો લાભ મળી રહેશે.  આ બિલ્ડીંગ મુખ્યત્વે પીડીયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગ સહિત લેબોરેટરી અને રેડિયોલોજીની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. 

ગાયનેક વિભાગમાં ૩૭૦ બેડ અને ૯ ઓપરેશન થીયેટર બ્લોક, ૧૮ બેડનો પ્રસુતિ રૂમ, રિસ્કી ડીલીવરી માટે ક્વોલિફાઇડ નર્સિંગ દ્વારા ૪ બેડના મીડ વાઈફ લેડ કેર યુનિટ અને નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ ૬ બેડનો ટ્રાઈએજ એરિયા, નવજાત શિશુઓની સારવાર માટે ચાર ન્યુ બોર્ન કોર્નરની સુવિધા, સગર્ભાઓ, સ્ત્રીરોગ, કુટુંબ નિયોજન તેમજ બાળકો માટે “૧૦૦૦ દિવસ”ના સર્ટીફીકેશન મુજબ અલગથી લેબરરૂમ, ઓ.પી.ડી.ની વ્યવસ્થા અને મમતા ક્લિનિક સહીત “ઓલ ઈન વન સેન્ટર” બનાવવામાં આવ્યું છે. 

જયારે પીડીયાટ્રિક વિભાગમાં તાજા જન્મેલા બાળકોની સારવાર માટે ત્રણ લેવલમાં એન.આઈ.સી.યુ.(નિયોનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ) બનાવાયું છે. તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે ૧૦૦ લોકોની બેઠક વ્યવસ્થાનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, બાળકો માટે વેન્ટીલેટર સાથે ૨૫ બેડનું આઈ.સી.યુ., કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું ૨૫ બેડનું ન્યુટ્રીશનલ રીહેબિલિટેશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે.  

બાળકોમાં રકતસંબંધી જનીનિક રોગો જેવા કે હીમોફેલીયા અને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેના અલાયદા વિભાગ સહિત પીડીયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ તેમજ બાળકોની સારવાર દરમ્યાન રમત-ગમત માટેનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. મોટી ઉંમરના બાળકો માટે હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, કાર્ડીયોગ્રાફી મશીન સહિતની સુવિધાઓનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *