પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવી શક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એ મનની શાંતિ અને સ્વાસ્થ્યને શુદ્ધ રાખવા કરાય છે. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે. તેમ આપણાં મનને સ્વસ્થ રાખવા પ્રાર્થનાની જરૂર પડે છે. પ્રાર્થના એટલે કોઈ પણ તાર વિનાનું જોડાણ જે કોઈ પણ સમયે કે સ્થળે થઈ શકે. પ્રાર્થનાથી આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે.
પ્રાર્થનાની પદ્ધતિ ખૂબ જ મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ બાબત છે. તમારા મનમાંથી અશુભ અને અનિયંત્રિત વિચારોને દૂર કરવા માટે પ્રાર્થના કરતાં વધુ અસરકારક બીજી કોઈ સરળ પદ્ધતિ નથી. લીન થઈને, સુધબુધ ખોઈને, લાગણીઓમાં ડૂબી જઈને, હૃદયની સંપૂર્ણ પ્રામાણિકતા સાથે, એકવાર ભગવાનને પ્રાર્થના કરો અને જુઓ. ભગવાન સાંભળે છે કે નહીં તે પછીની વાત છે. પરંતુ પહેલા જુઓ કે તમારું હૃદય હળવું થાય છે કે નહીં. જુઓ કે તમારા હૃદય પર લાગેલો પથ્થર દૂર થયો છે કે નહીં.
પ્રાર્થનાથી આપણાં શરીરમાં શક્તિનો સંચાર થાય છે જેનાથી આત્મબળ વધે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એ આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થનાનો માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ રહેલો છે. પ્રાર્થના દ્વારા વ્યક્તિના મનમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને વ્યકિતમાં નમ્રતાનો ભાવ જન્માવે છે. પ્રાર્થના મીઠી અને મધુરી વાણી સાધ્ય કરવામાં મદદ કરે છે.
પ્રાર્થનાની અસર વિશે આમ તો ઘણા અભ્યાસો થયા છે પણ તેની માનસિક સ્વાસ્થ્ય અને ચિંતા, ડિપ્રેશન પર કેવી અસર પડે છે તે વિશે મનોવૈજ્ઞાનિક અભ્યાસ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યો. પ્રસ્તુત સંશોધનમાં રોજીંદા જીવનમાં પ્રાર્થના કરતા 450 વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને લેવામાં આવ્યા અને તેની તુલના 450 એવા લોકો સાથે કરવામાં આવી જે રોજ બરોજના જીવનમાં પ્રાર્થના નથી કરતા.
આ સંશોધનો હેતુ લોકોના માનસિક સ્વાસ્થ્ય અને ચિંતા, ડિપ્રેશન પર પ્રાથૅનાનો પ્રભાવ જાણવાનો હતો. આમાં કુલ 900 લોકોને નિદશૅ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં.
અસર:
આ સંશોધન ના તારણમાં જોવા મળ્યું કે જે લોકો પ્રાથૅના કરતા હતા તે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સારું અને ચિંતા, ડિપ્રેશનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. પ્રાથૅના કરવાથી વ્યક્તિમાં સકારાત્મક ઊર્જા, માનસિક શાંતિ,આત્મ નિયંત્રણ, આત્મસન્માન,દયા અને ક્ષમાના ભાવમાં વધારો થતો હોવાથી જેઓ પ્રાથૅના કરે છે તેનામાં માનસિક સ્વાસ્થ્ય સારું અને ચિંતા, ડિપ્રેશન નું પ્રમાણ ઓછું જોવા મળ્યું હોય તેમ કહી શકાય.
આ સંશોધન સમાજના દરેક લોકોને ઉપયોગી થાય એ હેતુથી કેટલાક તારણ અહીં રજૂ કરવામાં આવ્યા છે:
- પ્રાર્થના એ પોતાના આત્મા સાથે અનુસંધાન કરાવતો સેતુ છે તે માત્ર કહેવા ખાતરની વાત નથી આ સંશોધન સાબિત કરે છે.
- પ્રાર્થના દ્વારા માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.
ખરી વાત એ છે કે પ્રાર્થના એ સમજવાની અને જાણવાની વસ્તુ નથી, તે આત્માની શક્તિઓને જાગૃત કરવાનું માધ્યમ છે. અંતિમ સત્ય એ છે કે ભગવાનની હાજરી આપણી અંદર છે. મંત્ર યોગ, જપયોગ, લેય યોગ વગેરેની જેમ, પ્રાર્થના પણ એક યોગ છે જેનો હેતુ પોતાને દૈવી શક્તિ સાથે જોડવાનો છે.
•પ્રાર્થના એ વ્યકિતને પોતાના આંતરિક પરમાત્મા સાથે જોડે છે.
- પ્રાર્થના કરવાથી તણાવ ઘટે છે તેમજ માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને મસ્તિષ્કમાં ચોક્કસ હેપ્પી હોર્મોન્સનું પ્રમાણ વધે છે.
- પ્રાર્થના દ્વારા એક આદર્શ માનસિક સ્થિતિનું નિર્માણ થાય છે.
- પ્રાર્થના માનસિક ચિંતામાંથી સાજા થવા પર અને માનસિક બીમારી વગરના લોકોની સુખાકારી પર પણ સકારાત્મક અસર કરી શકે છે. વધુમાં, આ અભ્યાસ સૂચવે છે કે નિયમિત પ્રાર્થના એવા લોકો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ હોઈ શકે છે જેઓ એકલા અથવા સામાજિક રીતે અલગ છે.
- પ્રાર્થના કરવાથી ડોપામાઈનનું સ્તર વધે છે. ડોપામાઈન જે સારા મૂડ અને ખુશી માટે જવાબદાર છે.
- મંત્રોચ્ચારનો ઉપયોગ એક થેરાપી તરીકે પણ કરવામાં આવે છે તેનાથી હકારાત્મક અભિગમ આવે છે.
- આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે 80 ટકાથી વધુ લોકો સંમત છે અથવા ભારપૂર્વક સંમત છે કે આધ્યાત્મિકતા તેમના માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. વધુમાં, 70 ટકાથી વધુ લોકોએ સૂચવ્યું કે પ્રાર્થના તેમના માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ હતી.
- શાળાઓમાં નિયમિત સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે પરંતું જેમ જેમ ઉચ્ચતર શિક્ષણમાં જાય તેમ સમૂહ પ્રાર્થનાનું પ્રમાણ ઘટતું જાય છે. ઘણી બધી જગ્યાએ ઉચ્ચતર શિક્ષણમાં પણ પ્રાર્થના કરવામાં આવે છે જો નવી શિક્ષણ નીતિ મુજબ આપણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે તો વિધાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતામાં વિધાયક બાબત જોવા મળી શકે.
આમ, પ્રાર્થના એ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે.