ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈઝરાયલના તીવ્ર હુમલાઓ બાદ ગાઝામાં સ્થિતિ વધુ વણસી છે. પેલેસ્ટાઇનનો દાવો છે કે ઈઝરાયલે કરેલા હુમલામાં ગાઝાના 4651 લોકોના મોત થયા છે, જ્યારે 14245 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ હમાસના હુમલાથી ઈઝરાયલના 1400થી વધુ લોકો માર્યા ગયા છે.
ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના 2 અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો. જેરુસલેમ તરફ રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા હોવાની આશંકા હતી. બાદમાં ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ લેબનાન આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને કડક ચેતવણી આપી છે. નેતન્યાહુએ કહ્યું છે કે જો હિઝબુલ્લાહ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઉતરશે તો તેને એટલી મોટી કિંમત ચૂકવવી પડશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય.
તો ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં માનવતાવાદી સહાયનો બીજો કાફલો પહોંચ્યો. ગાઝા પટ્ટી અને ઇજિપ્ત વચ્ચે ગાઝાનું રફાહ ક્રોસિંગ માનવતાવાદી સહાય માટે ખોલવામાં આવ્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ સંસ્થા COGAT, જણાવ્યું હતું કે સહાયમાં પાણી, ખોરાક અને તબીબી પુરવઠો શામેલ છે અને ગાઝા લાવવામાં આવે તે પહેલાં ઇઝરાયેલ દ્વારા દરેક વસ્તુની તપાસ થઈ રહી છે.