બલૂચિસ્તાન પ્રાંતમાં ગેસ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં લગભગ 12 ખાણિયાઓના મોત થયા છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગેસ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં લગભગ 12 ખાણિયાઓના મોત થયા છે. સ્થળ પર ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સુરક્ષા જવાનોને 8 જેટલા ખાણિયાઓને બચાવવામાં સફળતા મળી છે. પાકિસ્તાનના ડોન અખબારમાં છપાયેલા સમાચાર મુજબ આ ઘટના હરનાઈ જિલ્લાના જરદાલો વિસ્તારની છે.
બલૂચિસ્તાનના ચીફ માઈન્સ ઈન્સ્પેક્ટર અબ્દુલ ગની બલોચે આ ઘટના વિશે જણાવ્યું કે જ્યારે આ ઘટના જરદાલો વિસ્તારમાં બની ત્યારે ખાણમાં લગભગ 20 કામદારો હાજર હતા. ગનીના જણાવ્યા અનુસાર બુધવારે સવાર સુધીમાં ઘટના સ્થળે રાહત કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, બચાવ ટીમે 12 મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે 8 ખાણિયાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બલોચે કહ્યું કે રાત્રે બે મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સવારે વધુ 10 મૃતદેહો મળી આવ્યા હતા. ડૉનના સમાચાર અનુસાર, પ્રાંતના ખાણકામના મહાનિર્દેશક અબ્દુલ્લા શાહવાનીએ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પાકિસ્તાન રેડિયો અનુસાર, વડા પ્રધાને ઘાયલ ખાણિયાઓને તમામ સંભવિત તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.