વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પ્રગતિનું તાજેતરમાં નિરીક્ષણ કરવા ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)ની મુલાકાત લીધી હતી.
પ્રોજેક્ટનો પહેલો તબક્કો (22.54 ચોરસ કિમી) 95 ટકા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે, જેનાથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણો માટેના નવા માર્ગો ખૂલી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ પોતાની આ મુલાકાત દરમિયાન ધોલેરાના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક સ્થાન અને સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન હાઈડ્રોજન જેવા ઊભરતાં ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને હાઇલાઇટ કરી અને ભારતના ટકાઉ અને ટેક્નોલોજી આધારિત વિકાસમાં આ ક્ષેત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. વિકસીત ભારત@2047ના વિઝનને અનુરૂપ ધોલેરાને વિશ્વ કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વિકાસ મોડલ તરીકે સ્થાન આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે.
મોટા કદના રોકાણ ક્ષેત્રો અને ઔદ્યોગિક વિસ્તારોની સ્થાપના, સંચાલન, નિયમન અને વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે 2009માં SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અધિનિયમ ઘડ્યો હતો, જેથી કરીને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે તેમજ ભારતના ગતિશીલ બિઝનેસ ઇકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રો પર ભાર આપવા માટે આર્થિક પ્રવૃત્તિના વૈશ્વિક હબ તરીકે તેમનો વિકાસ કરી શકાય. તેનું ઉત્તમ ઉદાહરણ ધોલેરા છે, જે દેશનું સૌથી મોટા લેન્ડ પાર્સલ સાથેનું ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. તે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ગ્રીન સિટી રેટિંગ પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ કેટલાક શહેરોમાંનું એક અને ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ શહેર છે.
અમદાવાદથી આશરે 100 કિમી દક્ષિણે અને ગાંધીનગરથી 130 કિમી દૂર સ્થિત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) એક મુખ્ય ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ હબ બનવાની તૈયારીમાં છે. DSIR, તેના વર્લ્ડ ક્લાસ પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીચા પાવર ટેરિફ સાથે, બિન-પ્રદૂષિત ઉદ્યોગોનું હબ હશે. તેનો ઉદ્દેશ્ય શહેરી વિકાસના સંદર્ભમાં જીવનના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અને ટકાઉપણા સાથે આર્થિક અને સામાજિક રીતે સંતુલિત નવા-યુગનું શહેર બનાવવાનો છે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) ના વિસ્તારમાં વિકસિત કરવામાં આવનાર ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને નોડ્સનો એક લિનિયર ઝોન બનાવવા માટે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NICDC) ની આ એક બેન્ચમાર્ક પહેલ છે. પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે NICDC અને DSIR ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) એ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) તરીકે SPV ની રચના કરી છે. 920 ચોરસ કિમીમાંથી કુલ વિકાસયોગ્ય વિસ્તાર 422 ચોરસ કિમી છે અને 110 ચોરસ કિ.મી. વિસ્તાર ઔદ્યોગિક વિકાસ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. DSIR પ્રોજેક્ટનો પહેલો તબક્કો, એક્ટિવેશન એરિયા તરીકે ઓળખાય છે, જેમાં 22.54 ચોરસ કિમીનો સમાવેશ થાય છે. તેમાં ઉદ્યોગો, રહેણાંક જગ્યાઓ, મિશ્ર-ઉપયોગ, મનોરંજન, સામાજિક માળખાકીય સુવિધાઓ અને પ્રવાસન માટે ફાળવેલ વિસ્તારોનો સમાવેશ થાય છે. 1 એકરથી 330 એકર અને તેથી વધુ સુધીના સંલગ્ન લેન્ડ પાર્સલને આવરી લેતા ઉદ્યોગો માટે જમીનની ફાળવણી શરૂ થઈ ગઈ છે.
પહેલા તબક્કામાં 50 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એક માસ્ટર બેલેન્સિંગ રિઝર્વોઇર (MBR), એલિવેટેડ સર્વિસ રિઝર્વોઇર્સ, 10 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને 20 MLD કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) સહિતની મજબૂત જળ વ્યવસ્થાપન પ્રણાલી પર કામ કરવામાં આવ્યું છે. સિટી ઈન્ટીગ્રેટેડ ઓપરેશન્સ સેન્ટરની દેખરેખ હેઠળ, તે રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે, જે શહેરની સ્વ-નિર્ભરતામાં યોગદાન આપે છે.