છેવાડાનાં માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનાં લાભો પહોંચાડવા ગામડે ગામડે પરિભ્રમણ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં હડમતાળા અને પાટીયાળી ગામે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બાળાઓએ ઉત્સાહભેર રથને કંકુ ચાંદલા કરી આવકાર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ધરતી અને પ્રકૃતિ સંવર્ધનનો સંદેશો પાઠવતી “ધરતી કરે પુકાર” ગીત ઉપર પ્રસ્તુત સુંદર કૃતિ દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનાં સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડનાં લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ કાર્યક્રમ અન્વયે પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, ખેડુતોને પ્રાકૃતિક ખેતી, જમીનની ગુણવત્તાની ચકાસણી, જૈવિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, આંગણવાડી, પુરવઠા વિભાગ, આયુષ્માન સહિતના વિભાગનાં સ્ટોલ દ્વારા પ્રજાકીય યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તાલુકા પંચાયત – ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.